Wednesday, April 29, 2009

Lord Shiva

શિવ

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમા ના એક માનવા મા આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પુજતા તેમનું પુજન લીંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલય (શિવ મંદિર)માં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પુજા થતી નથી.

ભગવાન દત્તાત્રેયને કાર્તિકેયનો અવતાર માનવામાં આવતો હોવાથી, તેમના અનુયાયીઓ કાર્તિકેયની પુજા કરતા હોય છે.



શિવાલયની રચના


ભગવાન શિવનાં મંદીરને શિવાલય અથવા શિવમંદીર કહેવામા આવે છે. અન્ય પ્રદેશની ભાષામાં પણ કદાચ અલગ નામથી ઓળખવામાં આવતુ હોય, રચના પણ અલગ હોય તો ના નહી. બીજી એક એ પણ ખાસયત છેકે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદીરોમાં મુર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લીંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.

મહાદેવનાં શણગાર તથા પુજાવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો,બીલીપત્ર,રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભષ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પુજાવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદીરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદીર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પકલાવિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશોમાં થતા શિવાલયની રચના મુદા નીચે મુજવ જોઈએ.

* શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદીર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે.

* શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. 'જે જોયું તે જાય' એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મુર્તિ હોય છે. તે મૂત્યુનાં પ્રતીક રૂપે છે.

* શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદીરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.

* શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.

* શિવાલયમાં કાચબાની ડાબીબાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે.

* શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણદિશા બાજુ મુખે હનુમાનજી નું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.

* શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે. મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ.

* શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લીંગની સ્થાપના કરવામા આવે છે. શિવના લીંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લીંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદીરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલીંગ હદય અને આત્માનું પ્રતીક છે.

* શિવાલયમાં શિવલીંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલીંગની ફરતે ગોળાકાર લીંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલીંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લીંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ ( દેહમાં રહેલી આંતરચેતના ) દર્શાવે છે. જ્યારે શિવલીંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે.

* શિવાલયમાં શિવલીંગની બરોબર પાછળ પાર્વતીની મુર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા, નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.

આમ શિવાલયની રચના મનુષ્યના જીવનમાં મૂત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુધ્ધિ, સેવા, શક્તિ, જાગૂતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યનાં દેહ મનની આવશ્યક ગુણવતાનું પ્રતીક બની રહે છે. ભસ્મ અને અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદ્રષ્ટિ પ્રગટ કરે છે.